
મંદિર વિશે
શ્રી ભેટડીયા ભાણ સુર્ય મંદિર અતિપૌરાણિક અને ચમત્કારિક સુર્ય મંદિર છે. ત્યાં સુર્ય ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન છે. જે વિશ્વમાં અજોડ ગણાય છે. જ્યા ઉગતા સુર્યનુ પહેલું કિરણ ભગવાનનાં મુખ પર પડે છે.
હિંદુ સંસ્ક્રુતિનાં અઢાર પુરાણ ગણાય છે, એમનાં પ્દ્મપુરાણ માં આ મંદિરનો ઉલ્લેખ છે. એમાં જણાવ્યા મુજબ મંદિરે આવેલા સુર્યકુંડ માં સ્નાન કરી ભગવાનને અર્ગ આપી બ્રહ્મ્ણો અને ભાવિભક્તોને ભોજન કરાવવાથી પિત્રુઓની ત્રુપ્તિ થાય છે. ત્યા આવેલ સુર્યકુંડ નુ જળ એવુ ચમત્કારિક છે કે ઘણા અસાધ્ય રોગો માથી મુક્તિ મળે છે.
નેપાળમાં આવેલ પશુપતિનાથ ક્ષેત્રના ગ્રુહેશ્વર મંદિર પાસે આવેલ પ્રાચિન સુર્યઘાટ છે. જ્યા સુર્યને અર્ઘ્ય આપી પૂજા કરનારને આંખ અને ચામડીના રોગથી મુક્તિ મળે છે, તેવોજ પ્રભાવ અહિયાં જોવા મળે છે. અહિયા ભગવાન મહાદેવ ઓમકાર સ્વરૂપે બિરાજમાન છે. આમ ભગવાન શિવ અને ભગવાન આદિત્યનો સમંવય જોવા મળે છે.
ગુજરાત સરકારનાં પુરાતત્વ ખાતા ધ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ” ઉગતા રહેજો ભાણ “ માં આ મંદિર નો ઉલ્લેખ છે. ઇ.સ. ૧૦૨૬ ની આસપાસ સોલંકિ રાજા ભિમદેવ પહેલા એ તેનુ પુન નિર્માણ કર્યુ હતુ. ગુજરાત ભરમાં સોલંકિ યુગ માં ઠેરઠેર સુર્યમંદિરનું નિર્માણ કરવામાં આવેલ હતુ. આ સુર્ય મંદિર ત્રિવેણી સંગમ એટલે કે, ભોગાવો, સાબરમતી અને મહિસાગર નાં કાંઠે આવેલુ છે.
કાળક્રમે જતા કુદરતિ હોનારતના કારણોસર જેમ લોથલ, તા. ધોળકાની હડપ્પન સંસ્ક્રુતિનો નાશ થયેલ તેમ તેની નજીક માં આવેલ આ મંદિર તથા આસપાસ આવેલ ભાણગઢ ગામ પણ ધ્વસ્થ થઈ ગયેલ હતુ. સોલંકિકાળ માં માતા મિનળદેવી સૌરાસ્ટ્ર નાં સોમનાથ મહાદેવની યાત્રા જતા અહી બિરાજમાન ભેટડીયા દાદાનાં દર્શન કરી સમુદ્ર માર્ગે સોમનાથ જતા હતા.અહી ઉઘરાવવામાં આવતા મુંડક વેરો જેનુ મુલ્ય વાર્ષિક ૭૫ લાખ તે સમયમાં હતુ, તે માફ કરાવેલો એવો પણ ઇતિહાસ છે.
જેના પરથી લોકગિત પ્રચલીત હતુ જે,
“ દાણ માંગે, દાણ માંગે, દાણિને આરે દાણ માંગે,
દાણ લઈને દખણાદો ભાગે, દાણ દિધા વીના ઓતરાદો ભાગે.”
અર્થાત, યાત્રાવેરો ભરે તે દક્ષિણ તરફ સોમનાથ જાય અને ના ભરી શકે તે ઉત્તર તરફ પાછો વળી જાય.
“ ખારામાં તારા ખોરડા, પીવા પાણી તાણ,
ચડીને બેઠો ડુંગરો, ભલો ભેટડીયો ભાણ.”
માં સાંઇ નેહડી-ભેટડીયા ભાણના ઇતિહાસ સાથે જોડાયેલી એક બીજી પૌરાણિક કથા પ્રમાણે માં સાંઇ નેહડી પર જ્યારે એના પતિ ધ્વારા વીર એભલવાળા સાથેના સંબંધ-ચારિત્ર્ય અંગે શંકા કરવામાં આવી ત્યારે સુર્ય નારાયણનીક્રુપાથી જ “ માં સાંઇ નેહડી પવિત્ર છે” તે સાબિત થયુ હતુ.
ભેટડિયા ભાણ મંદિર જ્યા આવેલુ છે તે સાબરમતી નદીના સામા કાંઠે આવેલ “મીતલીનો માળ - માં સાંઇ નેહડી ધામ” (ચારણ માતાજી) તરીકે આ ઐતિહાસિક પ્રખ્યાત સ્થળ આજે પણ આ બનાવની સાક્ષી તરીકે ઉભુ છે.
આ કથા વાર્તા નો શ્રી ઝવેરચન્દ મેઘાણીએ “ સૌરાસ્ટ્ર રસધાર “ મા ઉલ્લેખ પણ કરેલ છે.
ત્યારબાદ વિક્રમ સંવત ૨૦૭૫ માગશર સુદ બીજ, તા. ૦૮/૧૨/૨૦૧૮ ના રોજ શ્રી ભેટડીયા ભાણ સરકારનો સુર્યાગ હવન ના શુભ આરંભે પુન: જીર્ણોધ્ધાર આસપાસનાં નવગામ ધ્વારા કરવામાં આવેલ હતો.
જે પ્રસંગમાં ધોળકા-ધંધુકા તાલુકાનાં આસપાસનાં નવગામનાં આશરે ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ ભાવિ-ભક્તો સાક્ષિ બનેલ હતાં, અને ભગવાનનાં પ્રાગટ્ય સમયે ભગવાનનાં મૂખાર્વેદ ના સામે રાખવામાં આવેલ કાચનાં ત્રણ ટૂકડા કરી પોતાના પ્રુથ્વી પર અવતરણનો પરચો આપેલ હતો.
શ્રી ભેટડિયા ભાણ મંદિર ખાતે દર વર્ષે આ તીથી નિમીત્તે ભવ્ય પ્રસંગ નું આયોજન કરવામાં આવે છે, જેમાં હજારો ભાવિ-ભક્તોની ઉપસ્થિતિમાં સૂર્યાગ હવન તથા રાત્રે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
પદ્મપુરાણ અનુસાર ભગવાન સુર્યનારાયણ કામનાપુર્તી દેવ તરીકે બીરાજમાન છે, જે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી ભક્તો અગીયાર રવીવારની બાધા રાખે છે, દર રવિવારે ભક્તો માટે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.
ગુજરાત સરકારનાં વન વિભાગનાં સહયોગથી મંદિરની આસપાસનાં પટાંગણમાં ૬૦૦૦ વ્રુક્ષો વાવી તેની માવજત કરવામાં આવે છે.
ગુજરાત સરકારનાં વનવિભાગ ધ્વારા મંદિર ની આસપાસ ૫૦ હેક્ટર(૨૫૦ વીઘા) જેટલી સરકારી પડતર જગ્યા ઉપર પ્રથમવાર વ્રુક્ષારોપણનુ ભવ્ય આયોજન થવા જઇ રહ્યુ છે. આ આયોજનમાં શ્રી ભેટડિયા ભાણ તીર્થ ધામ તરફથી પૂર્ણ સહકાર અને સહયોગ આપવામાં આવે છે.
શ્રી ભેટડિયા ભાણ દાદાનાં દર્શન તથા આશિષ નો લાભ દેશ-વિદેશ નાં દરેક ભાવિ-ભક્તો ને મળી રહે તે ભાગરૂપે શ્રી ભેટડિયા ભાણ તીર્થધામ સોશયલ મીડિયા સ્તર પર પણ સક્રિય છે.
ઋગવેદમાં ઉલ્લેખ છે : “ઑમ સુર્ય આત્મા જગતસ્તસ્થુષશ્વ ।
અર્થાત: સ્થાવર-જંગમ બધા પ્રાણિઓનો આત્મા સુર્ય છે. “સુર્ય તાપિની ઉપનિશદ”મા સુર્યને “સર્વ દેવમય” તરીકે સ્વીકાર્યા છે.
સહસશીર્ષા પુરુષા સહાસ્ત્રાક્ષ: સહાસ્ત્રપાત ।
સા ભુમિ સર્વત: સ્પ્રુત્વાત્વતિષ્ઠત દશાંગુલમ્ ॥
અર્થાત: સુર્યદેવ બધાથી અધિક પ્રતાપી, પ્રભાવશાળી, પ્રત્યક્ષ અને સર્વસ્પર્શી દેવ છે. પ્રત્યેક યુગ માં તેમની મહત્તા અને પ્રભાવશીલતા અજેય રહી છે. આજે પણ તેઓ શક્તિ- સમ્પન્ન, સર્વ પોષક , જીવન-પ્રદાતા, તમોહરી અને અજેય છે.
“ ઉદયેબ્રહ્મણોરૂપં મધ્યાહતે તુ મહેષ્વર:,
અસ્તમાને સ્વયં વિષ્ણુ ત્રિમુર્તિ ય: દિવાકર.”
અર્થાત : સુર્યદેવ બ્રહ્મ્હા, વિષ્ણુ, મહેશ ત્રિમુર્તિ સ્વરૂપ છે. ભલે ઉગ્યા ભાણ, સદાય સાથ રહેજો ભાણ, થાય વિશ્વનુ કલ્યાણ, ઉગતા રહેજો ભાણ.